67 - ૧૭ માર્ચ / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      શુભાંગી ગઈ કાલે પિરોટનથી આવી અને આજે ભાવનગર ગઈ. એના પપ્પાએ બીજું લગ્ન કર્યું.

      આજે બપોરથી સતત ઉદ્વેગમાં છું.. થાય છે ઊડીને પહોંચી જાઉં મમ્મી પાસે... એનો ભૂતકાળ, એનો સૂનકાર બધું લઇ લઉં અને ધરી દઉં એની સામે એક કોરો કાગળ ! જો હું ન હોત તો મમ્મીને ય કોઈ સાથી મળ્યો હોત ને ! માત્ર પાંચ મહિનાના ગર્ભને લઈને એણે પતિનું ઘર છોડ્યું. આજ સુધી એણે કારણ કહ્યું નથી, પરંતુ જે કાંઈ હશે એ ચોક્કસ અસહ્ય હશે; નહીંતર કોઈ પણ સ્ત્રી નજીવી બાબતમાં ઘર છોડતી નથી. ત્યક્તાનું મેણું એણે મારા કારણે જ સહ્યું ને ! નહીંતર નાનાજી જેવા જાગ્રત માણસ એને આમ એકલવાયી જીવવા દેત ?

      પરંતુ શું સ્ત્રી સાથે બાળકનો ય સ્વીકાર કરનાર એકે ય પુરુષ એ સમયમાં નહીં હોય !! અને, પુરુષ, ઉંમરના સાઈઠમા વર્ષે પચ્ચીસ વર્ષની યુવાન પુત્રી અને બે પરણેલા પુત્રો છતાં ફરી લગ્ન કરી શકે ! શુભાંગીના પપ્પાએ નિવૃત થયા પછી ફરી લગ્ન કર્યું. તો શું મમ્મીની આવતી કાલ આજ કરતાં ય વધુ બિહામણી હશે ? મારે મારા જન્મનું પ્રાયશ્ચિત કરવું જ રહ્યું.


0 comments


Leave comment