33 - સાઝ જરા પણ તરડાશે તો કેમ ચાલશે ? / ઉર્વીશ વસાવડા
સાઝ જરા પણ તરડાશે તો કેમ ચાલશે ?
તારો સૂર જુદો થાશે તો કેમ ચાલશે ?
કરવાનો છે લક્ષવેધ બસ એ જ ધ્યેય છે,
હાથ પછી કાંપી જાશે તો કેમ ચાલશે ?
આરંભી છે સફર સદીની આ જ ક્ષણોથી,
તું પળમાં થાકી જાશે તો કેમ ચાલશે ?
મજધારે ખોલી નાંખ્યા છે સઢ મેં સઘળા,
પવન હવે અવળા વાશે તો કેમ ચાલશે ?
એક દિપક પણ પ્રગટે એવી સ્થિતિ નથી આ,
સૂરજ જો ડૂબી જાશે તો કેમ ચાલશે ?
0 comments
Leave comment