35 - આ જીવન એમ જ જીવાતું હોય છે / ઉર્વીશ વસાવડા


આ જીવન એમ જ જીવાતું હોય છે,
દિલ દુઃખી હો તોય ગાતું હોય છે.

હું સતત વીંધાયો છું એ કારણે,
દ્રષ્ટિ એની તીર તાતું હોય છે.

આ ગગન આખું ફક્ત પળવારમાં,
એક ટહુકાથી ભરાતું હોય છે.

પાપ સઘળાં ચોપડે ચડતાં નથી,
ત્યાંય પણ બેનામી ખાતું હોય છે.

હર ગઝલ સ્ફૂરણા સહજ હોતી નથી,
યત્નપૂર્વક પણ લખાતું હોય છે.


0 comments


Leave comment