38 - વાત મનગમતી કરું છું ધ્યાન દે / ઉર્વીશ વસાવડા


વાત મનગમતી કરું છું ધ્યાન દે,
છીપમાં દરિયો ભરું છું ધ્યાન દે.

તું થઈશ બદનામ જો ડૂબીશ હું,
પૂર છે સામે તરું છું ધ્યાન દે.

ઘાવ ચહેરા પરના જોવા તું મથે,
આયનો સામે ધરું છું ધ્યાન દે.

સ્વાર્થ એમાં સહેજ પણ મારો નથી,
કોક કાજે કરગરું છું ધ્યાન દે.

જિંદગી આખી નથી માગ્યું કશું,
અંત વેળા છે સ્મરું છું ધ્યાન દે.


0 comments


Leave comment