૩૦ ઘરોબો રાખવો દર્પણની હારે, વાત અઘરી છે / ઉર્વીશ વસાવડા


ઘરોબો રાખવો દર્પણની હારે, વાત અઘરી છે,
જીવી જાવું ફક્ત ખુદ ના સહારે, વાત અઘરી છે.

કર્યું જે હોય કંઈ સંચિત, જીવનભર ખૂબ નિષ્ઠાથી,
તજી દેવું ફક્ત એક જ ઈશારે, વાત અઘરી છે.

ઝઝૂમ્યા હોય મોતી શોધવા દરિયાનાં ઊંડાણે,
પછી વીણવાં પડે મોતી કિનારે, વાત અઘરી છે.

ફક્ત બે-ચાર ડગ આગળ, ને ઊંડી ખીણ દેખાતી,
છતાંયે ચાલવું પર્વતની ધારે, વાત અઘરી છે.

બધાં પાનાં હુકમનાં હાથમાં હો, ને છતાં કોઈ,
રમત જાણીબૂઝીને સાવ હારે, વાત અઘરી છે.0 comments


Leave comment