39 - ઘરોબો રાખવો દર્પણની હારે, વાત અઘરી છે / ઉર્વીશ વસાવડા


ઘરોબો રાખવો દર્પણની હારે, વાત અઘરી છે,
જીવી જાવું ફક્ત ખુદ ના સહારે, વાત અઘરી છે.

કર્યું જે હોય કંઈ સંચિત, જીવનભર ખૂબ નિષ્ઠાથી,
તજી દેવું ફક્ત એક જ ઈશારે, વાત અઘરી છે.

ઝઝૂમ્યા હોય મોતી શોધવા દરિયાનાં ઊંડાણે,
પછી વીણવાં પડે મોતી કિનારે, વાત અઘરી છે.

ફક્ત બે-ચાર ડગ આગળ, ને ઊંડી ખીણ દેખાતી,
છતાંયે ચાલવું પર્વતની ધારે, વાત અઘરી છે.

બધાં પાનાં હુકમનાં હાથમાં હો, ને છતાં કોઈ,
રમત જાણીબૂઝીને સાવ હારે, વાત અઘરી છે.


0 comments


Leave comment