69 - ૨૯ માર્ચ / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


    એસ.ટી. બસ જમાલપુર ચાર રસ્તે પહોંચી ને ખેતીવાડી બહારના ટાવરમાં સવારના આઠના ટકોરા પડ્યા. થયું, હમણાં નદી આવશે ! સાબરમતી માટે એવો લગાવ, કે લાખ જાણવા છતાંય – આ નદી તો નામાની જ રહી છે તોય મન છે કે એના પટમાં એકાદ ક્ષીણકાય હી સહી, પ્રવાહની કલ્પના કરી લે... પછી ભલે ને એમાં સરકસના તંબુ તણાયેલા હોય કે ગુજરી ભરાઈ હોય. ક્યારેક વળી ખાડામાં ભરાયેલાં ગટરનાં પાણીમાં જગન્નાથ મંદિરના હાથી ભેગાં નાગાંપૂગાં છોકરાં નહાતાં હોય કે પછી સ્મશાનગૃહની આસપાસ ઘુમરાતા ધુમાડામાં માણસની વાસ સાથે કાંઠે બળતા કચરાની વાસ ભળી જતી હોય, રેત સારતી ટ્રકે પાડેલા ચીલા પર ભૂરાંટા ગધેડા દોડતા હોય કે વચ્ચે વચ્ચે લીલીછમ ભાજીના વાડા ઝબૂકી જતા હોય....

    તમને ક્યાંય નદી ન દેખાતી હોય ને છતાં ય... મને નવાનગરની ઉતાવળી નદી યાદ આવી ગઈ... ગઈ વખતે હોળી પર આવી ત્યારે કોઝ-વે પર પસાર થતાં તડકો ખાતા કાચબાની ચમકતી પીઠ અને ઉત્સુક ઊંચી ડોક જોઈ ખુશ થતાં જ વિચાર આવેલો કે એ સૂર્ય નીચે આવે એની રાહ તો નહીં જોતો હોય ? એની આ ઉત્સુકતા મને વૃંદા ભણી ખેંચી ગયેલી. આખા રસ્તે કોઈ ધીમા સ્વરમાં ગાતું હતું, મારી અંદર. હતું કે આ સંબંધ અમારા સમગ્ર અસ્તિત્વને સભર બનાવી દેશે પણ આજે ? ના, મારે આ માનસિકતામાંથી મુક્ત થવું જ રહ્યું. નહીંતર મમ્મીના એક માત્ર સ્વપ્નનું શું? ચોથા ધોરણમાં હતી ત્યારની એ મને ડૉક્ટર મીરાં કહે છે ! કોઈ જ અપેક્ષા નથી રાખતી એ મારી પાસે. બીજું બધું પછી. બસ, સૌથી પહેલાં ભણવાનું. એણે આપેલી તકનો જો મારે હિસાબ આપવો પડશે તો ?


0 comments


Leave comment