18 - જળની સત્તા / ભાનુપ્રસાદ પંડ્યા


બધે આભે ઊડે ધૂળડમરી શી વાદળ સમી,
તળાવોની રાને મૃગજળ કરે સૌ નકલ શી !
સવારે પુષ્પોની ઉપર ચળકી ઝાકળકણો
કરાવે ભીનું કૈં સ્મરણ જલવર્ષાનું સમીપે.
બપોરે શેરીની ધૂળમહીં પડ્યાં કોઈ પગલાં
ઉઘાડાં નિહાળી થતું : તડતડે પુષ્પ તવીમાં ?
સવારે સીમાડે ધણ લથડતું જો ડગ ભરે,
નિહાળી અંકાશે હળપતિ દ્રગે છાજલી ધરે.

અરે, ત્યાં ઈશાની દિશથી ચમકી તેજલ છટા
અને આભે બદરી વધી થૈ શ્યામલ ઘટા
ક્ષણોમાં વીંઝાતી ઝડી શીતળ ફોરાં વરસતી,
જતી ભૂંસાઈ ત્યાં સરહદ ધરા ને ગગનની !
હતાં કોરાં તે સૌ સ્થળ નિકટમાં હ્યાં જળ થયાં,
હવે વ્યાપી સત્તા જળની થળપે બે પલકમાં !


0 comments


Leave comment