19 - વાસંતી આંતક / ભાનુપ્રસાદ પંડ્યા
ચારેપાથી બાંધી લિયે ભ્રમરને અચાનક,
સોડમ બેફામ ફરે – ફૂલ ગુનેગાર છે !
તીતલીની પાંખો નહીં, વીંઝાતી એ બરછીઓ –
પવનનાં અંગ જુઓ – ઘાવ આરપાર છે !
વાઢી નાખે ક્યારે એનું કાંઈ રે કે’વાય નહીં,
અણિયાળાં જોણાંતણો નહીં ઇતબાર છે !
ઘર બધાં રાતોરાત ખાલીખમ કરી નાખ્યાં,
ચોક અને ઓટલાપે માણસ ચિક્કાર છે !
મધરાતી હદ તો આ ક્યારની ય આવી ગૈ,
આડેધડ રઝળતી અરમાની રૈયત,
થરકતું મજબૂર ઉર થાનેદાર છે !
હણહણી આભે ચડ્યો સાત હયવાળો રથ,
ઘરોઘર લોથ ઢળી હજી બેશુમાર છે !
0 comments
Leave comment