20 - હું ય તરણું / ભાનુપ્રસાદ પંડ્યા


કશી બેચેનીનું વજન લઈ લેટું, સમય ત્યાં,
ખસે જંતુ જેવું પગ નિજ કપાયા પછી જરા.
પથારી ના આ તો પડખું બદલું તણી વચમાં
વધંતા ઊંકારા-શ્વસન દ્રયનું આસન વડું !
સરી વાર્તાપોથી ઘડીકમહીં આજાર કરથી –
બિડાયું બે પૂંઠાં ભીતરવરસ્યું એ વિશ્વ સહસા.
થતું : ખૂંચી રહેતા પડી સમીપ પાષણકટકા
સમા જો આ મારા કર પણ લિયે કોઈ ઊંચકી !

તહીં બારીમાંથી ચકલી ધસી-ફેંકેલ દડી શી !
બિછાનાપે ઊડી તરણું લીલું કો’ ફેંકતી ગઈ.
લઈ સ્પર્શુ-સૂંઘુ-લીસી ખટમીઠી સીમ સઘળી
ધસી આવે પાસે, કિચૂડરવ-શી વાંસળી સુણું !
બધું આજુબાજુ લહલહી રહે લીલુંવરણું
અને ફોરો ફોરો ફરફરી રહું–હું ય તરણું !


0 comments


Leave comment