21 - શાખ વચમાં / ભાનુપ્રસાદ પંડ્યા
‘ચલો ભૈ માળાના, ઝટ ઊપડીએ; આ તણખલાં
હગારે લીંપેલા મલિન, વળી ત્રોફાય શૂળ શી
અહીં પીંછેપીંછે બરછટ સળીઓ, તસુ નથી
ખસાતું આ ખોબા સરીખડી જગામાં; હચમચી
રહેતી ડાળીપે પડું પડું થતો નીડ તજીને
હવે લૈ તોળી સમીર. ફરી પાછાં લઘુ ગુરુ
પરે આવી રહેવું કદી ય ખગને લાજિમ નહિ
શ્વાસંતા થૈને બે થનગન થતી પાંખ વચમાં.’
‘ખમી જા, પંખાળા ! ઘડી નીરખવા દે; મને
પરોવેલાં ભાસે સહુ તણખલે ઊલટભર્યાં
પરોઢો, સંધ્યાઓ, કંઈક દિવસો; ને ચણ ભૂલી
વિણાયેલી આ સૌ સળી ઉપર સેવાઈ રહેવું
હૂંફાતી આશાનું; પ્રથમ શ્વસવું, કૂંપળ સમું
પછી આ પાંખોનું ફૂટવું – બધું આ શાખ વચમાં, !
0 comments
Leave comment