22 - શરદાગમને / ભાનુપ્રસાદ પંડ્યા


વજન વિખરી દીધું – સાધ્વી સમી સિત વાદળી
રસળી, સૌ તૃણ ધીરેધીરે ધરે છવિ હેમની !
ગળચટી વહે પાકેલા મોલની ક્યહીં સોડમ,
હદ થઈ સૂતા શેઢાઓને ભૂંસી રહી મોસમ !

હિજરત કરી ગામે ? – સીમે વસે વધુ ખોરડાં !
ગગનસરનાં સે’લાણી તો છૂપાં રહી હિંચકે
અહીં કણસલે ! ટોયાની ગોફણે સહુ પાંદડાં
ફરર કરતાં ઊડ્યાં જાણે ! – જુદે વળી ખેતરે !

અબઘડી ખૂલી આળી ચાંચે મીઠાશની કામના
લઈ સતત આ મોભારે ભાદ્રવી રવ ઊડતો !
રજની નવને મીઠા કંઠે ભરી દઈ ઘૂમતા
ચરણ ઝીલવા ઝંખે ચૌટું; અને સહુ ભીંતને
મલકી ઊઠવાની વેળા આ, ચહે મૂક ટોડલા :
શિશુ સમ હવે તેડી લેવા દિયો લઘુ કોડિયાં !


0 comments


Leave comment