23 - તરુ-દધીચિ ! / ભાનુપ્રસાદ પંડ્યા


મળે તારો લીલો સઘન સિત સંગાથ સહસા
નિદાઘે કષ્ટોમાં જીવતરતણા પંથ ઉપરે –
મનોરંજી મીઠા ખગરવ થકી, આશ્રય દિયે !
સખા માનું સચ્ચા અચલ, મૂક ઓ વૃક્ષ તુજને ?

ઝુકાવે શાખા શા કર, પરણનાં નેત્ર પલકે
ભરેલાં વાત્સલ્યે – મુજ પર ઢળે ને ફળ તણી
કરે લ્હાણી તું મોસમી કદીક, જ્યાં નિદ્રિત થઉં,
ઝુલાવે લ્હેરીમાં ! જનની કહું ? શું હે દ્રુમ તને ?

યદા સર્વાહારી ભીષણ અતિ દુર્ભિક્ષ ભડકે
બળે-સંરક્ષે તું પરણ પણ દૈ ! ભીંત બનીને
ઝઝૂમી ઝંઝાથી કડકભૂસ થાતું ! મનુજને
ધરે શૈત્યે ઉષ્મા સળગી, સુખ-આવાસ રચવા
સમર્પે કાયાને ઢળી જઈ દિયે કાષ્ઠ હસતું,
સદા વંદું, સંજ્ઞા ‘તરુ દધીચે’ તું સાર્થ કરતું !


0 comments


Leave comment