24 - વનોથી વેગળાં થતાં... / ભાનુપ્રસાદ પંડ્યા


ઝરમરી રહેતી ફોરાં શી ખોઈ વાણી ખગો તણી,
સાગરી ઓઘનાં જેવાં ખોળું એ હાસ્ય પુષ્પનાં.
શાખમાં શાખને પ્રોઈ પાસે પાસે ઊભાં રહી,
તૃપ્તિ ના ભેટતાં તોયે તરુમૈત્રી ગઈ સરી.

દ્રગોને જોઉં ટીકીને મળે જો નભની છબિ,
કાસારી નીરના જેવું ભાળું ના પારદર્શિતા.
ઉઘડે પાય તો ચાલું ભૂમિને પ્રાંત કૈં સુધી,
ગલીગલી કરે તે સૌ લુપ્ત ક્યાં તૃણટોળકી ?

ધાવતાં ખીણ-ગુફામાં શાવકોના મુખે ઝરી
દૂધની સોડમે ભીની લ્હેરખી એય ઓસરી !
એકથી અન્યની ઊંચી અન્યની અન્યથી વળી
સ્પર્ધતી એકબીજાથી ઊંચાઈ પ્હાડની ગઈ !
સંપદા સર્વ એ મારી વનોથી વેગળાં થતાં
ગુમાવી તાહરે સાટે લાવી આપીશ સભ્યતા ?


0 comments


Leave comment