25 - પછી છેલ્લી વેળા / ભાનુપ્રસાદ પંડ્યા


પછી છેલ્લી વેળા વછૂટી જઈ ખીલેથી. ઘરને
જુહારો ઝાઝા કહૈ ધણ ઊપડિયાં, આ સીમ નહીં
શક રોકી એને તરણું દઈ, રે ના જળ અહીં
નદી પાસે ભીનાં નયન કરવાં, પલ્લવ વિના
ખડાં ઊભી વાટે તરુ ય સહુ કંકાલ સરખાં
બિછાવે શી છાયા ? જરીક ક્યહીં શેવાળ સૂંઘતી
સુકાયેલો, પાછી ગરદન કરી ગામ દ્રગમાં
ભરી લૈ શિંગાળી ખલક – ગઈ, દુર્ભિક્ષ ચરતી !

ઢળે ના મારે પાદર રણકી ગોધૂલિ સમય :
ખરીઓ ખીલે નૈં ફળીની ધૂળમાં; ત્યાં ઘરખૂણે
અબોલા લૈ ઊભું ઢળી પડી જૂની થાંભલી કને
વલોણું; શીકાની ઉપર લટકી રિક્ત મટકી
ગળાફાંસો ખાતી ? – ઝબકી ઊઠું ભાળી ભળડકું,
ગમાણે દોડું સજડ ચૂપ ખીલો થઈ ઊભું !


0 comments


Leave comment