70 - ૧૦ એપ્રિલ / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આખરે ગઈ કાલે મેળ પડ્યો. શુભાંગીના પપ્પાના લગ્નની વાત સાંભળી ત્યારથી કોઈને એ વાત કહીને હું હળવી થવા ઉચ્છતી હતી. કદાચ અપરાધબોધમાંથી મુક્ત થવા માંગતી હતી. છેવટે મમ્મીને બધી વાત કરી.

      મમ્મી કહે, ‘ગાંડી દરેક માણસની એકલતાના પ્રશ્નો સરખા નથી હોતા. એમાં શુભાંગીના પપ્પાને જનરલ મેનેજરની જવાબદારીવાળી પોસ્ટને કારણે નોકરી સિવાય બીજું કંઈ વિચારવાનો સમય જ નહીં મળ્યો હોય ! વળી પહેલી પત્નીના અવસાન સમયે બાળકો ય પગભર થઈ ગયેલાં. નિવૃત્તિ પછી ઘરની ખાસ જવાબદારી પણ બાકી નહીં. બહુ સ્વાભાવિક છે, એમનું આ પગલું.. રહી મારી વાત. આમેય સ્ત્રીઓને વળગણો ઊભાં કરી લેવાની આવડત હોય છે. અને મેં તો પહેલેથી જ વિચારી રાખ્યું છે, જેવી તું તારા મનગમતા જીવનમાં ગોઠવાય એટલે સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ દેશમાં જઈને નાનકડું બાલ-મંદિર ખોલીશ. પછી હું ને મારાં ભૂલકાં....

      તો શું જીવનમાં લગ્ન અનિવાર્ય નથી ? અને સેક્સ ?


0 comments


Leave comment