26 - દ્રષ્ટિના પદ્મ શું... / ભાનુપ્રસાદ પંડ્યા


નાદસિંધુ વિરામ્યો ને નીરવા રાત્રિયે થઈ,
મહાકાલે ધર્યું મૌન શ્વાસોની રમણા રહી.
ખેલીને કે દિનાન્તે થૈ અતિશે કલાન્ત તે હવે,
જંપીને ચેતના પોઢી નિદ્રાના સ્તનવૃંતપે.
શ્વાસમાં સંતના કોઈ રટણા હોય ચાલતી,
આછેરી આ હવા તેમ સતાત્યે જાય મ્હાલતી !
ઊંચે ત્યાં જૂઈનાં પુષ્પો થોકેથોક રહ્યાં ખીલી,
ઝરમરી તારકી ખુશ્બો સર્વે તે વણપાલખી ?

ઝાડનાં ઝુંડમાં જાગી ખગોએ છંદ છેડિયો,
અજંપ્યો મોર ગ્હેક્યો ને મૌનને મ્હોર બેસિયો !
એકતારો બજે ઝીણો તમિસ્ત્રે તમરાં તણો,
શર્કરાપયથી ઘૂંટી નીતરે સર્વ આ ક્ષણો.
અચિંતા પ્રાચીના નેત્રે ઈશ્વરી નૂર થૈ ખૂલે,
નવેલું ભોર ત્યાં કેવું દ્રષ્ટિના પદ્મ શું ઝૂલે !


0 comments


Leave comment