27 - ઊગી ગઈ... / ભાનુપ્રસાદ પંડ્યા


નહીં મળ્યાનો લઈ ભાર કૈંક
વર્ષો તણો (સતત યાદ લદાઈ વાધ્યો !)
ખંખેરવા વ્યતીતને તીર આજ આવું,
ડેલી વળોટી પગ આંગણામાં
મૂકું, અજાણ્યા (પણ જાણીતા !) ને
સત્કારતું ભસી ઊઠે ફળિયું; ખૂણામાં
કૂબા કરી રમતું કૌતુક ‘કો’ક આવ્યું; :
બોલ્યું, અને ઊભરતું ઘર ઓસરીમાં !

‘ટચાક’ દૈને દસ આંગળાંથી
ફૂટ્યું વહાલ, અવ મિષ્ટ સુણી ‘તું’ કાર
ઊગી ગઈ ઘૂંટાણિયાં ભરી ચાલનારી
ગૈ કાલ ! (ને સમયનું હિમ ઓગળીને
અલોપ) ક્યાંથી પડઘા પડે આ :
‘લે ચાલ, તારા લઈ બે ય મોર
(માટી તણા શેરી મહીં....?’)


0 comments


Leave comment