28 - મેદાન સીમિત / ભાનુપ્રસાદ પંડ્યા
પ્રભાતી રંગોની ટશર થઈ ફેલાય, ઊછળે
પલાશી ફૂલોથી ઉર ભીંજવતા, ખુશખબર થૈ
કદી તો વ્હેંચતા ઘરઘર, ઘૂમે મત્ત બનીને
કસુંબી ટોળામાં, ઊમટી ચગડોળે ચડી ફરે !
ધસે ગાડે બેસી, ગલી ગજવતા, દાંડી પીટતા
પધારે, નોંધે કૈં પિયળલિપિમાં (જેહ અઘરી
ઉકેલાવી !), ભીંતે ઊપસી રહી પંચાંગુલિમહીં
સ્ત્રવી રહેતા કંકુ, પ્રતિપલ રચે સ્વસ્તિક નવા.
સૂડાનું ટોળું થૈ કલબલી રહે, દેવચકલી
સમા એ સુરંગી હળુહળુ ફરે આંગણ મહીં,
પછી ગોખે ગોખે ટમકી પૃથિવીને નભ બીજું
કરી દેતા આવે ક્ષણક્ષણ મહીં શ્રી ભરી દઈ !
ધસંતા અશ્વો શા અવસરની ક્યાં ફાળ અમિત ?
અને ક્યાં આ નામનું સમયતણું મેદાન સીમિત !
0 comments
Leave comment