29 - પિયર તાણે કે - / ભાનુપ્રસાદ પંડ્યા


પિયર તાણે કે સખી, લલાટ પે આળખતી
આવનારા અવનવા દિવસની ભાત ?
આણીપા આંગણ ગમે, કામણેય પેલીપાનું
હું જ મને લાગું કોઈ અટપટી વાત !

પિયર ચોધાર વહી જાય કે આ આંગળીને
વેઢે ગણ્યા વરસનો નીતરે સે’વાસ !
તોડાયેલું ફૂલ કો’ક હથેળીની રેખાઓમાં
ઉગાડતું જાય અણઊકલી સુવાસ !

અહીંથી આ ગાડેગાડાં ઊપડશે અબઘડી
હીબકાંની ભારોભાર લઈને હુલાસ !
ખબર ન્હોતી કે આમ લઈ જશે અચાનક
ગયાં – આવ્યાં જ્યાંથી એ આ પાદરની વાટ !

ટપકું બનીને રાતું સૈ ! તારી નજરનું
સીમમાં ખોવાઈ જશું અમે પૂરપાટ !


0 comments


Leave comment