32 - ઉકેલી દ્યો... / ભાનુપ્રસાદ પંડ્યા
તમે તો વિદ્યામાં પરિમલની પારંગત. હવે
ઉકેલી દ્યો વાતો પ્રસૂનલખી કોરા પવનપે !
ક્યહીં કો હસ્તીના મદમલિન કુંભસ્થળ પરે
વળ્યા ટોળે, કર્ણે ગુસપુસ કરે જે કુસુમના,
બિડાયેલા કોઈ નલિની મહીં ગાળે રજની તે
દ્રિરેફોની ચેષ્ટા અકળ સહુને ઓળખી દિયો !
નહીં તો જે કોરાં વસન થકી સુગંધી કવિતા
રહી મ્હોરી તે ના સમજી શકશો, કુન્તલ થકી
કહી વેણી જે રહૈ અરધુંપરધું તેય સુણવું
થઈ જાશે ભારે કઠિન, લિપિ જે આળખી કરે
સુવાસે હિનાની નહિ ઊકેલશે, રોમ ઉપરે
લખેલી ખુશ્બોની ખબર પડવી દુષ્કર થશે !
અને ઊભા રે’શે અભણ સરખા ગંધજગતે.
પછી છો વિદ્યામાં પરિમલની પારંગત થયા !
0 comments
Leave comment