74 - ૧૨ મે / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


છેલ્લા બે દિવસથી ગરમી વધતી જાય છે. અહીં દિવસ તપે, પરંતુ રાત રળિયામણી લાગે. ગઈ કાલે મમ્મી સાથે કમ્પાઉન્ડમાં સૂતી. પણ આખી રાત થાગડ-થીગડ ઊંઘ આવી.

કાયમની ટેવ રૂમમાં સૂવાની. હોસ્ટેલમાં ક્યારેક અગાશીનું શિરીષ બોલાવી લે, પરંતુ થોડી વાર આડી પડી પાછી રૂમમાં જતી રહી. ખુલ્લામાં એકદમ નોંધારી થઈ જાય મારી ઊંઘ. રોડની લાઈટ, ભાગતાં વાહન, ચોકીદારના ડંકા કે બહાર સૂતેલાં લોકોની ગુપસુપ, સતત કોચતા રહે મારી ઊંઘને.

અહીં પણ બહાર ન ફાવ્યું. ખુલ્લી ગટરને કારણે અહીં મચ્છરનો ત્રાસ કાયમ રહે. કમ્પાઉન્ડમાં મચ્છરદાની બાંધીને સૂતી. પવનને લીધે મચ્છરદાની હાલકડોલક થયા કરે. પગ ઠેરવવાની કોશિશમાં જ કંઈક આંખ લાગી ગઈ....

... થયું જાણે હું સમુદ્ર-શય્યા પર સૂતી છું... ચારે બાજુ ધીરે ધીરે ફરફરતાં શ્વેત રેશમી વસ્ત્ર જેવો વિસ્તાર.... ઉપર આછી ગુલાબી મચ્છરદાની.... ચંદ્રના અજવાળામાં હળવે-હળવે ડોલતી.... મારા હાથ સમુદ્રની આછી લહેરને પસવારતા હતા.... એકાએક એક મોજું મારતે ઘોડે ધસી આવ્યું... હું એક જ ઘૂંટડે પી ગઈ અને... પીતાં જ ખરવા માંડી, એક પછી એક મારી દીવાલો....ને ખીલેથી છૂટી ગયાં મારાં ઝરણાં... પીછો કરતાં કરતાં પહોંચી ગઈ હું એક ટેકરી પર..... ટોચે ચડી નીચે જોતાં આંખે ફરી વળ્યાં અંધારાં.... ને ખશી ગયો મારો પગ... એ.... એ.... ને હું પથારીમાં બેઠી થઈ ગઈ.


0 comments


Leave comment