43 - સાવ સાચી દિશાની સફરમાં હતો / ઉર્વીશ વસાવડા
સાવ સાચી દિશાની સફરમાં હતો ,
તે છતાં પણ હું ભૂલો પડ્યો,
એક નક્શો એ સામે નજરમાં હતો,
તે છતાં પણ હું ભૂલો પડ્યો,
મુખવટો ન કોઈ આવરણ ના કશું,
માત્ર ચહેરો લઈને પ્રવેસી ગયો,
આયનાથી ભર્યા તેજઘરમાં હતો,
તે છતાં પણ હું ભૂલો પડ્યો,
ખુશ્બૂ થઈને બધે વિસ્તરી હું શકું,
રૂપ કે રંગની ના જરૂરત પડે,
એ ઈરાદે ફૂલોના નગરમાં હતો,
તે છતાં પણ હું ભૂલો પડ્યો,
છે સ્મરણમાં ગલીની રજેરજ હજી,
સર્વ રસ્તાઓ પણ છે હજી એ ના એ,
જ્યાં રહ્યો તો કદી એ જ ઘરમાં હતો,
તે છતાં પણ હું ભૂલો પડ્યો,
ખ્વાબમાં મીર આવી મને કહી ગયા,
કાબિલે દાદ, ગોરે તબલ કાફિયા,
એક ઉમદા ગઝલની બહરમાં હતો,
તે છતાં પણ હું ભૂલો પડ્યો.
0 comments
Leave comment