44 - વાત એકાદી કરી નીકળી ગયા / ઉર્વીશ વસાવડા


વાત એકાદી કરી નીકળી ગયા,
આંખમાં આંસુ ભરી નીકળી ગયા.

રહી જશે સ્મરણો હવે દીવાલ પર,
ખાલીપો ઘરમાં ભરી નીકળી ગયા.

સાવ ચોખ્ખા ચોપડા રાખ્યા સદા,
ને સિલક સરભર કરી નીકળી ગયા.

કોઈ કેડી પર નહીં પગલાં મળે,
સ્હેજ ચીલો ચાતરી નીકળી ગયા.

જિંદગી જીવ્યા શિશુ માફક સહજ,
એ સહજતાથી સરી નીકળી ગયા.

(સ્વ. સુમનભાઈને શ્રદ્ધાંજલિ)


0 comments


Leave comment