45 - સૂક્કા નગરમાં આપણે ભૂલા પડ્યા છીએ / ઉર્વીશ વસાવડા


સૂક્કા નગરમાં આપણે ભૂલા પડ્યા છીએ,
આ પાનખરમાં આપણે ભૂલા પડ્યા છીએ.

મંઝિલ તરફ ગતિ છે સતત આપણી છતાં,
સૌની નજરમાં આપણે ભૂલા પડ્યા છીએ.

સાવ જ અજાણ્યા લાગે છે દર્પણ દીવાલનાં,
ખુદનાં જ ઘરમાં આપણે ભૂલા પડ્યા છીએ.

મારગની હર વિગતથી પરિચિત હતા બધા,
તો પણ સફરમાં આપણે ભૂલા પડ્યા છીએ.

આખા અરૂઝની વાત થશે કઈ રીતે હવે,
એક જ બહરમાં આપણે ભૂલા પડ્યા છીએ.  


0 comments


Leave comment