46 - જીવતરનું ભાથું ખૂંટ્યું છે દરવાજો ખોલ / ઉર્વીશ વસાવડા


જીવતરનું ભાથું ખૂંટ્યું છે દરવાજો ખોલ,
મારી ભીતર કૈં તૂટ્યું છે દરવાજો ખોલ.

શીખેલી વિદ્યા વ્યર્થ થવાની વેળા છે,
રથચક્ર ધરામાં ખૂંપ્યું છે દરવાજો ખોલ.

દરિયો શું છે એ વાત હવે સમજાઈ જશે,
પરપોટા જેવું ફૂટ્યું છે દરવાજો ખોલ.

આ ક્ષિતિજ સમી ભ્રમણા પંપાળી થાક્યો છું,
નભ હવે ધરા પર ઝૂક્યું છે દરવાજો ખોલ.

વાજિંત્રો સઘળાં આજ હવે ત્યાગી દીધાં,
એક ગીત ભીતરથી ગુંજ્યું છે દરવાજો ખોલ.


0 comments


Leave comment