48 - ઊઠવું, ખાવું, સૂવું અઢળક એવા દિવસો / ઉર્વીશ વસાવડા


ઊઠવું, ખાવું, સૂવું અઢળક એવા દિવસો,
શમણાં પરીઓ કિસ્સા ભરચક એવા દિવસો.

કાગળની હોડીમાં ફરવું દુનિયા આખી,
દરિયો દુનિયા જુદા મતલબ એવા દિવસો.

સૌથી મીઠી ચીજ હતી માટીનું ઢેફું,
વ્યર્થ હતાં પકવાનો મબલખ એવા દિવસો.

પંખી, પાણી, ફૂલો એવા દોસ્ત હતા સૌ,
આંખોમાંથી ઊઠે અચરજ એવા દિવસો.

સસલાં માફક ઠેકીને ભાગ્યા એ દિવસો,
હવે સ્મરણમાં ઠાલો પગરવ એવા દિવસો.

(શૈશવ વિષે ગઝલ)


0 comments


Leave comment