76 - ૨૬ મે / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      છેવટે મનની હાર થઈ. ઇડર પાસેથી પસાર થતાં ઉમાશંકરની કવિતા યાદ આવી ગઈ,
‘ભેંકાર તોતિંગ નગ્નતા
બખોલ ભરેલું મૌન
ભેખડે ઝઝૂમતી એકલતા
પીઠ પર વાયુવરસાદના વાઘજરખ નખ-ઉઝરડા.’
      પરંતુ આ કવિતા જ કેમ યાદ આવી ?
      કાલે સાંજે ચાર વાગ્યે પહોંચ્યાં અંબાજી. એક બાજુ વેકેશન અને ગુજરાતને હાથવગાં આબુ-અંબાજી. સાથે ઓળખીતાની ચિઠ્ઠી હતી એટલે ‘રેવા-પ્રભુ સદન’માં રૂમ મળી ગઈ. દૂર ક્ષિતિજ રોકતા સપાટ ચહેરો લઈને ઊભેલા ડુંગરા સાથે કોન્ટ્રાસ્ટ રચાતો ગેસ્ટહાઉસનો લીલોછમ બગીચો... કંઈ કેટલાય આકાર અને રંગમિશ્રણથી શોભતાં પાંદડાં.... જાણે કોઈ આર્ટગેલેરીની પેનલ ! વૃંદા હોય તો કાર્ડ બનાવવા અચૂક તોડી લે. રૂમની પછીતે સુગંધે લચી પડતી મધુમાલતી અને જૂઈની વેલ... મને મારું શિરીષ યાદ આવી ગયું.

      મમ્મી બહુ ખુશ છે, રૂમના બારણે ઊભાં ઊભાં સાંજે ગબ્બરના દીવાના દર્શન થાય છે. જો કે મમ્મી પહેલાંથી જ પૂજા-પાઠમાં ખાસ માનતી નથી, પરંતુ ઈશ્વર ઉપર અને ખાસ કરીને માતાજી પર એની દૃઢ આસ્થા છે. કદાચ એ જ એને ટકાવી રાખે છે. મને લાગે છે, દરેકને કોઈ ને કોઈ આધાર જોઈએ છે – માણસનો કે ભગવાનનો... પરંતુ અમારી પેઢી તો બંનેને ગુમાવતી જાય છે.....


0 comments


Leave comment