1 - આગવો અણસાર / વૃક્ષ નથી વૈરાગી / સૌમ્ય જોશી


      ચંદ્રેશની મજૂસમાં ઘણુંબધું છે. અનિદ્રાનો રોગ છે. અઢળક ઉચાટ છે. ફૂલેતરાનાં ખેતરોની હરિયાળી છે, ને ખોરડાઓના અંધારા છે, હોસ્ટેલની ધોળીધબ્બ છત છે, ખિસ્સાં છે, ખાલીપો છે, પ્રેમ છે, ચીડ છે અને નહીં બોલી શકાયેલી અસંખ્ય ગાળોનો ડચૂરો છે, ને ખાસ તો આવી અમૂલી મજૂસનાં તાળાં ખોલવા માટે પ્રતિભાની ચાવી છે.

      ચંદો ગામથી નીકળ્યો છે પણ શહેર પહોંચ્યો નથી. એની કવિતાને આ વચ્ચેનો રસ્તો જ માફક આવે છે.

      ફૂલેતરા અને અમદાવાદ વચ્ચે અટવાયેલા આ જીવની કવિતાને ગીત, ગઝલ, લય, છંદ, છાંદસ, અ-છાંદસનાં માપિયાંઓથી માપવાને બદલે એના અનેક ગમતા શેરોમાંનો એક બોલીને ચંદો તમને સોંપું છું.

“આગવો અણસાર પેદા થાય તો,
છોડ ચિંતા આગવા આકારની.”

      ચંદ્રેશને અણસારા જ આપવા છે. આમે કવિતા બીજું તો શું આપી શકે ?

- સૌમ્ય જોશી
૨૨/૦૮/૨૦૦૭


0 comments


Leave comment