4 - વૃક્ષ નથી વૈરાગી / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


વૃક્ષ નથી વૈરાગી...
   એણે એની એક સળી પણ
       ઈચ્છાની ક્યાં ત્યાગી ?

જેમ ખૂટ્યાં પાણી સરવરથી,
       જેમ સૂકાયાં ઝરણાં.
જેમ ભભકતી લૂ લાગ્યાથી,
       બળ્યાં સુંવાળાં તરણાં

એમ બરોબર એમ જ...
    એને ઠેસ સમયની લાગી.
       વૃક્ષ નથી વૈરાગી.

તડકા છાયાં અંદર હો કે બ્હાર
       બધુંયે સરખું.
શાને કાજે શોક કરું હું... ?
       શાને કાજે હરખું ?

મૌસમની છે માયા સઘળી...
    જોયું તળલગ તાગી....
       વૃક્ષ નથી વૈરાગી.


0 comments


Leave comment