8 - આંધળી કન્યાનું ગીત / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


અલગ હશે અંધારું, એનું અલગ હશે અંધારું,
અજવાળું બેફામ વહે પણ આંખોથી પરબારું.

દૃશ્યો એને કશે કામના ?
કશે કામના દરિયા ?
જાણે તો જીભેથી જાણે
ચોખા છે કે તરિયા.

સૌથી અંગત સપનાં એનાં અંગત ખોટું સારું
અજવાળું બેફામ વહે પણ આંખોથી પરબારું

એની અંદર ઊગી નીકળતું
અંધારાનું ગામ,
પંખી, પર્વત, ઝરણાં સઘળું
એને કેવળ નામ.

એનું એના સ્પર્શ જેટલું, બાકી તારું-મારું
અજવાળું બેફામ વહે પણ આંખોથી પરબારું.


1 comments

Jun 01, 2017 04:04:10 PM

Vaah

1 Like


Leave comment