9 - વણચીતરેલાં નામ / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’

મુઠ્ઠીભર અજવાળા સામે અંધારાના ગામ,
કેમ ઉકેલું ? કેમ ઉકેલું ? વણચીતરેલા નામ.

અંગે અંગે આગ બનીને
અડે સમયના છાંટા.
માંડ પગેરું એક મળે ત્યાં
લાખ પડે છે ફાંટા.

શોક નિરંતર શોક જ રહેતો બદલાતા બસ કામ,
કેમ ઉકેલું ? કેમ ઉકેલું ? વણચીતરેલા નામ.

ટીપે ટીપે તરણા ફૂટે,
શ્વાસે શ્વાસે શમણાં
આમ આયખું સાવ સનાતન,
આમ જૂઓ તો ભ્રમણા

શ્વાસ સળગતા સૌએસૌના કોને દેવી હામ ?
કેમ ઉકેલું ? કેમ ઉકેલું ? વણચીતરેલા નામ.

0 comments

Leave comment