77 - ૨૭ મે / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજે મમ્મીએ કહ્યું, ‘ચાલ, આબુ જવું છે ?’ મારાથી એકદમ ડચકારો થઈ ગયો ! બે દિવસથી પ્રયત્ન કરતી હતી કે ક્યાંય મમ્મીને એવું ન લાગે કે હું માત્ર એનું મન રાખવા જ આવી છું. પણ આજે મહોરું ફસકી ગયું. મમ્મીએ એટલું જ કહ્યું, ‘ભલે, તો આપણે કાલે સવારે નીકળી જઈએ, તું અમદાવાદ અને હું ઘેર.’

      મમ્મી જાણે છે કે હું ઉદાસ છું. પરંતુ કંઈ પૂછતી નથી. સારું છે, નહીંતર હું શું કહેત ? એકાદ વખત પૂછ્યું હતું કે ‘વૃંદા શિબિરમાં આવવાની છે ?’ મારી ‘ના’ સાંભળી આગળ કાંઈ જ ન પૂછ્યું.

      મમ્મી સવાર-સાંજ મંદિરે જાય છે, હું કેવળ સાંજે. બજાર કરતાં આજુબાજુ ચાલવા જવાની વધુ મજા આવે છે.

      વહેલી સવારે દાંતા રોડ તરફ ફરવા ગઈ. ઢાળવાળો રસ્તો, આજુબાજુ ટેકરીઓ પર છૂટાંછવાયાં ઘર, ખેતર; સામે મળતાં બળતણ, શાકભાજી, દૂધ વેચવા આવતા લોકો અને સવારનો કૂણો તડકો... મન હળવું થઈ ગયું. ઢોળાવ ચડતી હતી ત્યાં સામેથી ધસી આવ્યું ગાયોનું ધણ. પહેલાં એક સામટા કેટલાય પગ, ઢીંચણ પરનાં કાળાં-કાળાં ધાબાં, બે ડગલાં વચ્ચે રણકી ઊઠતી ગળાની ઘંટડીઓ, ડાબે-જમણે ડોલતાં માથાં, પલક ઝપકાવી, પાણી ટપકાવતી કાળી ભમ્મર આંખો અને ઝૂકેલાં શીંગડાં... અત્યારે લખતાં જાણે આખું દૃશ્ય સ્લોમોશનમાં મારી નજરે તરવરી ઊઠ્યું... થોડું સરકી ઝડપથી ચાલી ધણની પાછળ ઢાળ પર ચડી ગઈ... ઢોળાવ પરથી દડતી ગાયો, જાણે મારી ખોઈમાંથી વેરાયેલા જારના દાણા.....


0 comments


Leave comment