78 - ૩૦ મે / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      હોસ્ટેલ પર આવી ત્યારે બબ્બે સમાચાર મારી હિંમતની કસોટી કરવાની રાહ જોતા હતા. ગેટ પાસે રિક્ષામાંથી ઊતરતાં જોયું, હોસ્ટેલ ફરતી દીવાલ ચણાતી હતી એને અમારું (?) શિરીષ કપાઈને નીચે પડ્યું હતું.....

      રૂમ પર આવી તો શુભાંગીએ પાણીના ગ્લાસ સાથે સમાચાર આપ્યા, કે વૃંદા મુંબઈ ગઈ. અને કોઈ ડૉ.અજિત, ડાયવોર્સી છે એની સાથે એનાં લગ્ન લગભગ આવતી પંદરમી તારીખે નક્કી છે.

      જાણું છું, મારે ખુશ થવું જોઈએ. વૃંદાને જો યોગ્ય સાથી મળી જાય તો એથી ઉત્તમ શું ! શું મને એના અક્ષરે ય જોવા નહીં મળે ? થાય છે, એકદમ મન ભરીને રડી લઉં, વહાવી દઉં, ગંઠાઈ ગયેલી બધી લાગણીઓ. પણ આંસુ છે કે નભરમાં વાદળ, નથી વરસતાં કે નથી ઉઘાડ નીકળતો !

      જ્યારે શિરીષ જેવા શિરીષે સાથ છોડી દીધો. પછી.....


0 comments


Leave comment