50 - સ્વપ્ન ઘરનો એક દરવાજો મળ્યો / ઉર્વીશ વસાવડા


સ્વપ્ન ઘરનો એક દરવાજો મળ્યો,
વેદનાનો રાહ પરબારો મળ્યો.

મારી ભીતર મેં નજર નાંખી જરા,
ચેતનાનો એક અણસારો મળ્યો.

જ્યાં સદા ઓવારણાં લેતો સમય,
એજ ઘરથી આજ જાકારો મળ્યો.

સાવ સૂક્કી રણ સમી આ આંખમાં,
આજ કાં અષાઢી વરતારો મળ્યો ?

હિમશીલા જ્યાં ઓગળી યુગયુગ પછી,
એ સ્થળેથી એક અંગારો મળ્યો.


0 comments


Leave comment