51 - આ પવનહીન શહેરમાં અત્તર બનીને આવમા / ઉર્વીશ વસાવડા


આ પવનહીન શહેરમાં અત્તર બનીને આવમા,
વણલખેલા પત્રનો ઉત્તર બનીને આવમા.

શાંત થીજ્યાં જળ સમો છું એમ રહેવા દે મને,
તું વિના કારણ અહીં કંકર બનીને આવમા.

બાણશય્યા મેં સ્વીકારી છે પૂરી સમજણ પછી,
ઓ સમય તું મખમલી બિસ્તર બનીને આવમા.

સૌ અહીં તખ્તા ઉપર છે માનવીના વેશમાં,
માત્ર પડદો પાડવા ઇશ્વર બનીને આવમા.


0 comments


Leave comment