55 - સ્હેજ અમથા સ્પર્શથી જો ડાળ બટકી જાય છે / ઉર્વીશ વસાવડા


સ્હેજ અમથા સ્પર્શથી જો ડાળ બટકી જાય છે,
વૃક્ષ સાથે તો પછી સંવાદ અટકી જાય છે.

આ સ્મૃતિ તો છે અતલ ઊંડાણની કો માછલી,
યત્નપૂર્વક જાળ નાંખો તોય છટકી જાય છે.

ઊંઘમાં તો બંધ આંખો હોય છે ને તે છતાં,
સ્વપ્ન છે જે આંખમાં આવીને ખટકી જાય છે.

હોય જો ઘેઘૂર જંગલ તો હજી સમજી શકો,
કેટલા અહીંયા સીધા રસ્તામાં ભટકી જાય છે.

કૈંક સ્મરણો આજ તારાં આવતાં એવી રીતે,
જે રીતે ડૂમો ગળે આવીને અટકી જાય છે.


0 comments


Leave comment