34 - તું–તમે / ભાનુપ્રસાદ પંડ્યા


પુરા પત્રે પત્રે કલમ સ્ત્રવતી ‘તું’ – હતી તદા
સુહાતાં સ્વપ્નોનું સમીકરણ તું, ને શ્વસનમાં
બજી રહેતું-તું’ ‘તું’ : નજર વસતી એક જ છવિ !
‘તું’ નામી ચાખ્યું મેં મધુ, વિરમવા એક જ જગા
ધસ્યે જાતાં મારાં ચરણતણી તું–વિસ્મિત થતો :
લિયે ખેંચી કેવો શબદ બસ, આ એક શ્રુતિનો !

પરોઢ હાવાં તો અલસ પગલે પાત્ર જળનું
ધર ધીરે સીંચો તુલસી, નમતાં પૂરવ દિશે
(શકે – જોડાયેલા કરમહીં રહ્યાં શ્રેય જગનાં !)
નિહાળું અંકાશી ઝલક અધખૂલ્યાં નયનમાં !
જમાડો છોરૂને-અતિથિ સહુને-વત્સલ દ્રગે –
મને યે શું જાણે પલટી બટુમાં દ્યો, અનસૂયા ?!
‘તું’કારો હોઠેથી સરિતપૂર શો સાવ વિરમે,
ગરે હાવાં જીભે બકુલ ફૂલ થૈ એક જ ‘તમે.’


0 comments


Leave comment