35 - હજી પાસે છો ત્યાં... / ભાનુપ્રસાદ પંડ્યા


સિધાવો, ના રોકું પથ પણ તરુડાળ ઝૂકવી
નિમંત્રે; વાયુનો રથ અલસ, વેલા અનુકૂલ.
વધાવે કલ્લોલો, ખગ સરીખડા ! જાવ, ભ્રમર
તજે બંદીખાનું સૂરભિતણું, હા, એમ ઊપડો !

તમોને શેં રોકું ? પ્રતિપળ ચુનૌતી વય દઈ
રહી ! ના રહે ઝાલ્યો તરુગ સમ ઉત્સાહ ઊછળ્યો !
મહેચ્છાને પાંખો ક્યમ જ નવ ફૂટે નભ વડું
નિહાળી ? ના થોભો; પરવરી રહો, મંગલ ચહું !

પછી સંદેશા ને ખબર ખત થાશો ? તબકશો
ઉનાળે વેળુના સપન મહીં આષાઢ સરખા
અમારી નિદ્રામાં ? નિતની થઈ વાતો બસ, વહી
જવાનું શું ? દ્વારે સતત ભણકારા બની જશો ?

‘વિચાર્યું શું છાનું મુજથી ?’ : પૂછશો ના પ્રિય ! મને
હજી પાસે છો ત્યાં ભટકતી થઈ નિર્જન રણે !


0 comments


Leave comment