36 - સૉનેટયુગ્મ – (૧) – ત્યારે / ભાનુપ્રસાદ પંડ્યા


વધુ સમય વાસેલી – ડેલી – સદાય ઢળે તહીં
અતિથિ સહુના દ્રષ્ટિપાતો હતાશ, ચહે ધૂલિ
ફળીની પગલાં, ત્યાં ખીલેલાં પ્રસૂન ચૂંટાઈને
ચડી નવ શકે પોતે વાંછી સ્થિતિ ઘનકેશલ !

ખરતી રજથી નાતો બાંધી રહે ઘરઓરડા,
ષટ્પદપણું ભીંતે ભીંતે સહુ અતિ કૌશલ !
પ્રહર દ્રયનો મુલાકાતી પ્રકાશ, પછી ધસી
હવડભીનું અંધારું ઝાઝું રહે ઘરની મહીં !

કદીક દિન છુટ્ટીનો – મૂર્છા ટળ્યે ઘરનાં ખૂલે
પકડી સરખાં દ્વારો, બારી કને વિરમું જરી
પકડી સળિયા બ્હારે જોતાં – તરુંગ મહીં પડ્યા
બહુ વરસના બંદી જેવો દિસે બહુધા હુંને !

દુમ પટપટાવીને ઊભું ખૂલું ઘર દેખાતાં
કશું ય નહિ શ્વાને પામ્યું – ‘આ નર્યા ઢગ ઈંટના !’


0 comments


Leave comment