37 - સૉનેટયુગ્મ – (૨) – અત્યારે / ભાનુપ્રસાદ પંડ્યા
જરીક અડતાં ખૂલી જાતા ફટોફટ આગળા
તહીં તુલસીનો ક્યારો ભીનો, સુવાસ વળાંક લૈ
ચડી ધૂપસળી ત્યાં ઊંચે, ફરે તીતલી રુઆબથી,
વિહગ પગલાંનાં રોમાંચે હસાહસ આંગણું.
ધસતી ઘરમાં ચોપસેથી સવાર રુઆબથી,
સર કરી લિયે ચોખ્ખો વાયુ નવું સ્થલ સાંપડ્યું !
અવરજવરે હ્યાં ચલ્લીની સર્યા સળિયા બધા
મુજ ઘરની બારીના ? મુક્તિ લભાય-સુધન્યતા !
સદન મહીં તો જ્યાં જ્યાં સ્પર્શ્યા મુલાયમ હાથ એ
બધુંય ઉજમાળું ! વસ્તુઓ અને અસબાબ આ
અનુસરત એણે સ્થાપેલી મનોહર શિસ્તને.
ચખું મધુર માંજેલી આભા હવે સહુ પાત્રમાં !
અવ નીસરજો લૂખાંભૂખાં લગોલગ આ ઘર,
અમીર હું ય – સૌને ઝૂમીને કરી રહું આદર !
0 comments
Leave comment