38 - ન્હોય રુચતું / ભાનુપ્રસાદ પંડ્યા
તમે યાચ્યો ત્યારે પથપર દઈ સાથ હસીને
હતો ચાલ્યો. વાતો ઊઘડી કાળી શી મારગ ઊભે !
(અજાણ્યા હું ને એ અજુગતું ઘડીવાર ભીડમાં
જનોની લાગ્યું’તું.) પણ વરસ કૈં એમ પછી તો
ગયાં આવ્યાં સાથે. સહજ અવ સંગાથ દ્રયનો
થતાં યાચી બેઠો સકલ તવ ! આઘાં ઉપવનો
સુગંધીલાં મારાં ભરમ સહુ દાવાનલ થકી
નકારોના. મારે પથ પર બધે શૂળ વિખરી !
ગલીના ખૂણાના જરજરિત મારા ઘર કને
હવે આવી ઊંચે સદન વસીને જોરથી હીંચી
કિચૂડાટે, હાસ્ય, દરસી કર પીળા ઘડીઘડી,
ઝરૂખે ઊભીને ગીતની કડી જૂની ગણગણી –
વિના લેવાદેવા નિત પજવણી ? ! ન્હોય રુચતું
અહીં રહેવું મારું : નગર તજી, લો; જાઉં ઊપડી !
0 comments
Leave comment