39 - તમે જ - / ભાનુપ્રસાદ પંડ્યા


તમે જ વનછોડને અગણ સાથીના વૃંદથી
કરી પ્રથમ વેગળો. ભીનલ ભોમમાં આંગણે
સ્વહસ્ત કરી ક્યારી ને અમિત નેહથી રોપિયો.
થયું જલનું સિંચન, (સભર ઉરનુંયે વળી !)
તમે જ ફરતી રચી તરત વાડ (વીંટાઈને
રહી નજર)માં સલામત. નકામના ઘાસને
ઉખેડ્યું. નવી ફૂટતાં કૂંપળો કીધો ઉત્સવ !
અથાગ સહુ પાસ તે દિ’ મુજની કરી શી સ્તુતિ !

પ્રસૂન લચી જ્યાં થકી વિકસી ડાળખી આ બધી
અમી જ બસ ઓસર્યા ! કુસુમ કંઠ ધાર્યા તણો
નથી વસવસો. દ્રગે તરવરી દયા પારખી
સમીપ જલ સીંચતાં – કદીય ના વને જોઈ’તી !
તમે જ અવ એહને સમૂળગો ઉખેડો – ચહું :
નહીં જ કરુણા હવે પલટવી અવજ્ઞામહીં !


0 comments


Leave comment