2 - મિટ્ટીકી ખૂશ્બુ કા ઈત્ર / વૃક્ષ નથી વૈરાગી / સંજય ત્રિવેદી


     ૨૫ જાન્યુઆરી ૨૦૦૬ની રાત્રે બીજે દિવસે શરુ થનારી મારી કંપનીનું નામ શું રાખવું એ અવઢવમાં હતો, ત્યારે ચંદ્રેશ મકવાણા ‘નારાજ’નો એક શેર યાદ આવ્યો :
એ જ તો મારી ભીતરનો રોગ છે,
આગ કેવળ આગ કેવળ આગ છે.

     ... અને કંપનીનું નામ રખાયું –‘ફાયર’. આશુ પટેલ અને સંજય સાગર નામના આગદાર મિત્રો સાથે શરુ થયેલી કંપનીનું નામ પડ્યું – ‘ફાયર ફિલ્મ્સ એન્ડ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ.

     સૌમ્ય જોશી ભાગ્યે જ કોઈ કવિતા સંભળાવે. એકવાર રાત્રે સાડા અગિયારે એનો ફોન આવ્યો. એણે કહ્યું, ‘શેર સુન !’ –
આગવો અણસાર પેદા થાય તો,
છોડ ચિંતા આગવા આકારની.

     આગવા અણસારના કવિ સાથે મારો આ પ્રથમ પરિચય. મારે ગામ પાલનપુર એક અત્તર મળે છે, મિટ્ટી કી ખુશ્બુકા ઈત્ર. અને એ સિવાયનું અત્તર કે કવિતા મને કોણ જાણે કેમ, પણ બહુ ગમતી નથી. ચંદ્રેશની કવિતા મારે મન મિટ્ટી કી ખુશ્બુ કા ઈત્ર લઈને જન્મી છે.

     ગુજરાતનાં મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીથી લઈ મોરારીબાપુ સુધી, અને કવિઓમાં ખલીલ ધનતેજવીથી લઈને અંકિત ત્રિવેદી સુધી સૌ જણ ચંદ્રેશની કવિતાના ચાહક છે. ચંદ્રેશ બોલે ત્યારે તેના ઉચ્ચારણમાં ‘સ’ ને ‘શ’ નો ભેદ નથી હોતો. પણ એનું ‘આચરણ’ નામે ‘કાવ્યસર્જન’ અતિશુદ્ધ છે.

     વર્તમાન સમયના મહાનતમ અભિનેતા મનોજ જોશી હોય, કવિ ડૉ.મુકુલ ચોકસી હોય, અતિ સારા સંગીતકાર ઉદય મઝુમદાર હોય; સૌ ચંદ્રેશની કવિતા સાંભળવા અડધી રાતે તૈયાર હોય... હોય... ને હોય જ.... આવી આ તાકતવર કવિતા વધુ લોકો સુધી પહોંચે એનો આ પ્રયાસ છે.

     ચંદ્રેશ મકવાણાનો અને ફાયર ફિલ્મ્સ એન્ડ મીડિયા દ્વારા પ્રકાશિત થનારો આ પ્રથમ કાવ્યસંગ્રહ છે. ચંદ્રેશની કવિતા એ ઉત્સવ છે અને આ પ્રકાશન, સાચું કહું તો, એની કવિતાનો પ્રાગટ્ય મહોત્સવ છે. આવો ઊજવીએ, જીવીએ જિંદગી નામે કવિતા.

     કવિ, આવો-પધારો, જગતના મંચ પર તમારું સ્વાગત છે.

- સંજય ત્રિવેદી
મેનેજિંગ ડિરેક્ટર, ફાયર ફિલ્મ્સ એન્ડ મીડિયા પ્રાઈવેટ લિમિટેડ


0 comments


Leave comment