12 - તડકો / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


પરોઢનાં પારણિયે ઝૂલ્યો સોનલવરણો તડકો.

જંગલ-જંગલ, ઝાડી-ઝાડી
ખેતર-ખેતર, વાડી-વાડી,
અંધારને ઓઢી સૂતાં
ઘોર ગગનની આંખ ઉઘાડી.

પાંપણ સામે આવી પ્રગટ્યો ઝાકમઝોળ ઉમળકો.
પરોઢનાં પારણિયે ઝૂલ્યો સોનલવરણો તડકો.

ઈંટે-ઈંટે, ભીંતે-ભીંતે
ઝૂંપડીઓની જીર્ણ પછીતે,
ફૂલ-ફૂલ કે કાંટે-કાંટે
એક જ રૂપે, એકજ રીતે.

સરખે સરખું સ્મિત વેરતો સરક્યો હેમ લસરકો.
પરોઢનાં પારણિયે ઝૂલ્યો સોનલવરણો તડકો.


0 comments


Leave comment