13 - અવાજની આંગળિયો પકડી / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


અવાજની આંગળિયો પકડી ચાલો મૂંગા રણ તરીએ,

ગોટેગોટા ઊડે હવામાં
અણબૂઝી અકળામણના,
ક્યાંક પગેર મળે નીરના
ક્યાંક સળગતા ઈંધણના.

ઈંધણના અજવાળા હેઠળ બળતી પળને જળ ધરીએ
અવાજની આંગળિયો પકડી ચાલો મૂંગા રણ તરીએ.

ઝાંખી-પાંખી તોય ચિરંજીવ
દેહ વગરની દૂર્બળતા,
બ્હાર બધુંયે બદ્ધ બદ્ધ
ને અંદર અઢળક વિહવળતા.

વિહવળતાની વાડ કૂદીને ચાલો ઠંડા ડગ ભરીએ.
અવાજની આંગળિયો પકડી ચાલો મૂંગા રણ તરીએ.


0 comments


Leave comment