15 - વિધવાનું વિધવાને સંબોધન / ચંદ્રેશ મકવાણા ‘નારાજ’


તું માને કે ના માને, કે સત થોડું સંતાશે !
રોજ રીબાશે રત અંધારી રોજ વાયરા વાશે.

રોજ રોજ ખડકાશે વાદળ
કોરાકટ પાલવમાં,
રોજ રોજ શેકાશે સેંથી
ધીમા ધીમા દવમાં...

રોજ રોજ અડવાણા કરમાં ચૂડી જીવતી થાશે.
રોજ રીબાશે રત અંધારી રોજ વાયરા વાશે.

હળવે હળવે ખૂલતા જાશે
પડદા પોઢ્યા દલના,
તો કદીના ઓછા થાશે
પડઘા વીતી પલના,

સાવ અચાનક સોપો પડશે, રોમરોમ કંતાશે,
રોજ રીબાશે રત અંધારી રોજ વાયરા વાશે.


0 comments


Leave comment