60 - હું જુગલબંદીમાં કાયમ હારનો આદી હતો / ઉર્વીશ વસાવડા


હું જુગલબંદીમાં કાયમ હારનો આદી હતો,
આ પ્રણયના રાગમાં એનો જ સ્વર વાદી હતો.

કેમ તું કોરો રહ્યો એ પ્રશ્ન તારો છે ફક્ત,
આ ગલીમાં હર ક્ષણે માહોલ વરસાદી હતો.

ફૂલમાંથી બહાર ના નીકળ્યો ભ્રમર ક્યારેય પણ,
રાખતો’તો એ રીતે ઓઝલ એ મરજાદી હતો.

ફેંસલો એ દ્રંદ્રનો આવી શકે ક્યાંથી કહો ?
હું એ દાવમાં ઉભય વાદી પ્રતિવાદી હતો.

સૌ જીવે અહીંયા ભરોસો રાખીને જેના ઉપર,
આપણો એ શ્વાસ ક્ષણજીવી ને તકલાદી હતો.


0 comments


Leave comment