63 - મિત્ર થોડી રાખ ચહેરાની અદબ / ઉર્વીશ વસાવડા


મિત્ર થોડી રાખ ચહેરાની અદબ,
પૂછમાં પ્રશ્નો અરીસાને અજબ.

જળ મહીં તરસ્યા રહીને જીવવું,
મત્સ્ય પાસેથી શીખ્યો છું એ કસબ.

પથ્થરો પણ ગાય સ્વર કેદારના,
છે હજી ગિરનારમાં જાદુ ગજબ.

સૌ પીએ ને જળ કદી દેખાયના,
કોણ સંભાળે છે એ ગેબી પરબ ?

શ્વાસને આપી દીધી આજે રજા,
મૃત્યુ જેવા એક અવસરને સબબ.


0 comments


Leave comment