82 - ૫ જૂન / મીરાં યાજ્ઞિકની ડાયરી / બિન્દુ ભટ્ટ


      આજે શિબિરનો પહેલો દિવસ. લગભગ પંદરેક શિબિરાર્થી છે, દેશના વિવિધ પ્રાન્તોમાંથી આવેલા. યુનિવર્સિટીના કુલપતિના હસ્તે બપોરે ત્રણ વાગ્યે ઉદઘાટન થયું. એમનો વર્ષો જૂનો એકનો એક ડાયલોગ – ‘ભારત જુદી જુદી ભાષાઓની ફૂલદાની છે... સરસ્વતીનું મંદિર.... સારસ્વતોનું સાન્નિધ્ય...’ વગેરે.. વગેરે.... જ્યારે પણ અમારા ભાષા-ભવનનો કાર્યક્રમ હોય તો કુલપતિશ્રીને કવિતાનો ધખારો ઊપડે... મારી બાજુમાં બેઠેલો સલિલ નોટબુકમાં એમનું ભાષણ એમના બોલ્યા પહેલાં લખ્યે જતો હતો. રુચિ માંડ ગંભીર રહી શકી.

      ઉદઘાટનના સનાતની કર્મકાંડ પછી પરિચયવિધિ થયો. ત્રણે લેખકો માર્ગદર્શક તરીકે આવ્યા છે. કવિશ્રી ઉજાસ અગસ્ત્ય સિવાય ડૉ.કુસુમબાલા અને ડૉ. રામાશ્રય તિવારીનાં નામ તો પહેલી જ વાર સાંભળ્યા.

      વિદ્યાર્થીઓના પરિચયવિધિમાં મજા પડી. ખાસ કરીને કેરાળાના એક વિદ્યાર્થીનો પરિચય તો કદાચ જીવનભર નહીં ભુલાય. એક તો એની દક્ષિણ ભારતીય હિન્દી અને ઉચ્ચારણની વિશિષ્ટ ઢબ. જાણે લયમાં ગાતો ન હોય !

      “મૈ ચાકો... કેરલા... સે આ... યા ...., ઠી.. વાય, બી.એ... મૈં પડતા....’ એક છે હેમા દેસાઈ. ઠરેલ. મદ્રાસમાં હિન્દી પ્રચારક સમિતિનું કામ કરે છે. સાક્ષાત્ લેખક આત્મા એવા મુંબઈવાસી હિમાંશુ રાય. ક્યાંક.... ક્ષિતિજમાં નિહાળતી આંખો ઊડતાં ઝુલ્ફાં, નાટકો લખે છે. તેજવીરસિંહ ચંદીગઢ યુનિવર્સિટીમાં રિસર્ચ કરે છે, વિષય છે ‘છાયાવાદી કાવ્ય કાં સૌંદર્યશાસ્ત્ર’. એક તો જાટ અને સૌંદર્યશાસ્ત્ર ? જો કે એવું ન પણ હોય, પરંતુ વ્યવહારમાં બહુ ખરબચડો લાગે છે. શિબિરવીરની એક જુગલજોડી છે... દામોદર ખડસે અને કૈલાસ સેંગર. શિબિરના અનુભવોમાં અને લખવામાં બંને સિનિયર છે. એમની રચનાઓ પ્રકાશિત પણ થઈ છે. બર્દવાનથી આવી છે પૂર્વા બેનરજી. કોઈપણ બંગાળી છોકરીને જોતાં કોણ જાણે મન એમાં રવીન્દ્રનાથ અને શરદનાં નારીપાત્રોને શોધવા લાગે.... સામાન્ય દેખાવ, પણ એના શ્યામ રંગમાં એક વિશિષ્ટ ચમક લાગે. રવીન્દ્રસંગીત સાંભળવા મળશે.

      સાંજે તરુણે પૂછ્યું, ‘વૃંદાનાં પેપર કેવાં ગયાં?’ શું કહું ?


0 comments


Leave comment